વચનામૃત ગઢડા મધ્યનું - ૩૫

સંવત ૧૮૮૦ના ભાદરવા સુદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિ પાછલી છો ઘડી રહી ત્યારે શ્રીજીમહારાજ સૂતા ઊઠીને શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં જારની ખાણ ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી ને શ્યામ છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી.

       પછી પરમહંસ તથા હરિભક્તને તેડાવીને તે પ્રત્યે બોલ્યા જે, (૧) આજ તો અમને નિદ્રા બહુ આવી તે ઘણું ઊઠવાનું કર્યું પણ ઉઠાય નહિ ને તે નિદ્રામાં અમે વિચાર ઘણો કર્યો છે ને તે વિચારે કરીને જે નિરધાર કર્યો છે તે કહું છું જે, હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ આત્માને સાક્ષાત્‌ દેખતો ને હમણાં પણ દેખું છું તે આત્મા સૂર્યના જેવો પ્રકાશે યુક્ત છે ને આ મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને વિષે મુને આત્માનું ક્ષણમાત્ર પણ વિસ્મરણ થાતું નથી, પણ એ આત્મદર્શન થાવું બહુ કઠણ છે એવું આત્મદર્શન તો પૂર્વના ઘણાક જન્મના સત્‌ સંસ્કારવાળો કોઈક વિરલો હોય તેને થાય છે, ને બીજો તો એ આત્માનો વિચાર સો વર્ષ પર્યંત કરે તોપણ આત્માનું દર્શન થાય નહીં. એ તો ક્યારે થાય તો જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે એ આત્માને દેખવો એ કાંઈ કઠણ નથી અને ભગવાનના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા જણાય છે કે દેખાય છે એવી તો આશા કોઈને રાખવી નહીં. (૧) અને ભગવાનની ઉપાસના કરવી, અને ભગવાનનાં ચરિત્ર ગાવવાં, સાંભળવાં ને ભગવાનનું નામ-સ્મરણ કરવું, ને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થાવું તે કાંઈ કઠણ નથી; એ તો જેમ વહાણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવું તે તો જેમ તુંબડાં બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે. અને અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ તેમાં તો એટલું જ પ્રયોજન છે જે જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિષે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધીને વિષે હેત ન રહે તથા ભગવાનની ભક્તિને વિષે કોઈ વિઘ્ન ન થાય એટલું જ પ્રયોજન છે પણ કેવળ એણે કરીને જ કલ્યાણ થાય એમ તો માનવું જ નહીં. (૨) અને વળી જગતમાં એમ વાર્તા છે જે, ‘મન હોય ચંગા તો કથરોટમાં ગંગાએ વાર્તા ખોટી છે એ તો ગમે તેવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય, ને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે જ નહિ, ને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય ને તેને જો પુરુષનો સહવાસ થાય તો તેનો પણ ધર્મ રહે જ નહીં. અને એવી રીતે સ્ત્રી-પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા જ રાખવી નહિ, તે આ વાર્તા તે એમ જ છે પણ એમાં કાંઈ સંશય રાખવો નહિ તે માટે ધર્મમાં તો ક્યારે રહેવાય તો પરમહંસ હોય તથા બ્રહ્મચારી હોય ને તે જો પોતપોતાના બ્રહ્મચર્યાદિક નિયમ કહ્યા છે તેમાં રહે તો એને ધર્મમાં રહેવાય, અને સ્ત્રી હોય ને તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં વર્તે તો તેને ધર્મમાં રહેવાય, અને બીજા જે સત્સંગી ગૃહસ્થ હોય તે પણ જો પોતપોતાના નિયમ કહ્યા છે તેમાં રહે ને યુવાન અવસ્થાવાળી જે પોતાની મા, બોન, ને દીકરી તે ભેળે પણ એકાંતમાં ન બેસે ને તેની સામું પણ દૃષ્ટિ માંડીને ન જુએ તો એને ધર્મમાં રહેવાય. એવી રીતે ધર્મમાં રહેવું, તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ-કીર્તન કરવું તથા ભગવાનનું નામ-સ્મરણ કરવું, એ ચાર વાનાં જ જીવના અતિશે કલ્યાણને અર્થે છે. (૩) અને આ તમે સર્વે છો તે મુને ભગવાન જાણો છો તે અમે જ્યાં જ્યાં ઉચ્છવ-સમૈયા કર્યા હોય ને જે જે ઠેકાણે પરમહંસ, બ્રહ્મચારી, હરિભક્ત-સત્સંગી, બાઈ-ભાઈ સર્વે ભેગાં થયાં હોય ને અમે કીર્તન ગવરાવ્યાં હોય ને વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય એ આદિક જે અમારાં ચરિત્ર-લીલા તેને કહેવાં ને સાંભળવાં, ને તેનું મનમાં ચિંતવન કરવું, અને જેને એવું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે, માટે એવાં જે અમારાં સર્વે ચરિત્ર, ક્રિયા તથા નામ-સ્મરણ તે કલ્યાણકારી છે. અને આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી તે વાર્તાને ધારી ત્યારે દેહમાં જે મંદવાડનું ઘણુંક દુઃખ હતું તે સર્વે નિવૃત્તિ પામી ગયું ને પરમ શાંતિ થઈ, પણ એ ઘણાય આત્માને દેખતા હતા તોપણ તેને કરીને કાંઈ સિદ્ધિ થઈ નહિ અને વળી પરોક્ષ જે શ્રીકૃષ્ણ-રામચંદ્રાદિક ભગવાનના અવતાર તેનાં જે ચરિત્ર તે જ્યાં જ્યાં કહ્યાં હોય તેને પણ સાંભળવાં ને ગાવવાં અને એ ચાર વાનાંની દૃઢતા થાય તેને અર્થે અમે શ્રીમદ્‌ ભાગવત આદિક આઠ ગ્રંથનું અતિશે પ્રતિપાદન કર્યું છે માટે એ ગ્રંથને સાંભળવા ને ભણવા ને એ ચાર વાનાંની જ વાર્તા કરવી. અને વળી ભગવાનની મૂર્તિની ઉપાસના, ને ભગવાનનાં ચરિત્ર, ને ભગવાનનું નામ-સ્મરણ, એ ત્રણ વાનાં વિના કેવળ ધર્મે કરીને કલ્યાણ થાવું તે તો તુંબડાં બાંધીને સમુદ્ર તરવો જેવું કઠણ છે, અને ભગવાનની મૂર્તિનો આશ્રય હોય, ને ભગવાનનાં ચરિત્રને ગાતો-સાંભળતો હોય, ને ભગવાનનું નામ-સ્મરણ કરતો હોય ને જો તેમાં ધર્મ ન હોય તો તે માથે પાણો લેઈને સમુદ્રને તરવાને ઇચ્છે એવો જાણવો, ને તેને ચાંડાળ જેવો જાણવો. માટે એ ચાર વાનાંએ કરીને જ જીવનું કલ્યાણ જરૂર થાય છે, પણ એ વિના બીજું કોઈ એવું સાધન નથી, જે જેણે કરીને કલ્યાણ થાય. (૪) અને મુક્તાનંદ સ્વામી આદિક સાધુનાં જે કાવ્ય-કીર્તન તે ગાવવાં ને સાંભળવાં તથા ભગવાનના અવતાર ચરિત્રે યુક્ત એવાં કાવ્ય-કીર્તન બીજા કવિનાં હોય તો તેને પણ ગાવવાં ને સાંભળવાં. પણ કબીર ને અખાનાં જે કાવ્ય-કીર્તન હોય તથા એ જેવાં જેનાં જેનાં કાવ્ય-કીર્તન હોય તેને ગાવવાં નહિ ને સાંભળવાં પણ નહિ અને તમારે સર્વેને મારે વિષે વિશ્વાસ છે ને હું તમને જેવી તેવી અવળી વાતે ચડાવી દેઉં, તો જેમ સર્વેને કૂવામાં નાખીને ઉપરથી પાણાની શિલા ઢાંકે ત્યારે તેને નીકળવાની આશા જ નહિ, તેમ તમે પણ અમારા વચનને વિશ્વાસે કરીને અવળે માર્ગે ચડી જાઓ તો એમાં અમારે શું સારું થાય ? માટે આ વાર્તા તમારા કલ્યાણની છે તે અમે તમને હેતે કરીને કહી છે તે સારુ તમો સર્વે હવે આવી જ રીતે સમજીને દૃઢપણે વર્તજો એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જો તમે સર્વે આ અમે વાર્તા કરી એવી રીતે વર્તવાનો નિશ્ચય કર્યો હોય તો એક એક આવીને અમારે પગે અડીને સમ ખાઓ ને એવી પ્રતિજ્ઞા કરો, જે અમારે દૃઢપણે એમ જ વર્તવું છે. પછી સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી રાજી થકા ઊઠીને શ્રીજીમહારાજના ચરણકમળનો સ્પર્શ કરીને નમસ્કાર કરીને પાછા બેઠા, પછી સર્વે બાઈઓને પણ એવી રીતે કહ્યું ત્યારે બાઈઓએ પણ છેટે ઊભી રહીને એમ વર્તવાનો નિશ્ચય કરીને સમ ખાધા. પછી શ્રીજીમહારાજ પ્રસન્ન થકા પોતાને ઉતારે પધાર્યા. (૫) ઇતિ વચનામૃતમ્‌ ।।૩૫।। (૧૬૮)

          રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે શ્રીકૃષ્ણ જે અમે તે અમારી મૂર્તિના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા દેખાતો નથી. (૧) અને અમારી ઉપાસના ને અમારાં ચરિત્ર કહેવાં ને સાંભળવાં ને અમારું નામ-સ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું તેણે કરીને કલ્યાણ થાય છે ને આત્મદર્શને કરીને તો અમારી ભક્તિમાં વિઘ્ન ન થાય એ પ્રયોજન છે. (૨) ને સ્ત્રી-પુરુષ તે ગમે તેવા ધર્મવાળા ને સમાધિનિષ્ઠ હોય તોપણ સહવાસ રાખે તો તેમનો ધર્મ રહે જ નહિ, માટે અમે નિયમ કહ્યા છે તે પ્રમાણે રહેવું. (૩) અને અમારી ઉપાસના, ચરિત્ર ને નામ-સ્મરણ એ ત્રણ વિના એકલા બ્રહ્મચર્યાદિક ધર્મે કરીને કલ્યાણ થાતું નથી અને જો એ ત્રણે હોય પણ ધર્મ ન હોય તોપણ કલ્યાણ ન થાય. (૪) અને અમારા ચરિત્રનાં કાવ્ય સાંભળવાં પણ કબીર ને અખા આદિનાં કાવ્ય-કીર્તન કહેવાં, સાંભળવાં નહીં. (૫) બાબતો છે.

       પ્ર. પહેલી બાબતમાં પૂર્વના ઘણાક જન્મના સત્‌ સંસ્કારવાળાને આત્માનું દર્શન થાય છે એમ કહ્યું અને વળી અમારી મૂર્તિનું ધ્યાન કરે તો આત્માને દેખવો તે કઠણ નથી એમ કહ્યું તે મૂર્તિના ધ્યાન વિના બીજા કિયા સંસ્કારે કરીને આત્મા દેખતો હશે ?

       ઉ. મૂર્તિની ઉપાસના વિના બીજા કોઈ પણ સંસ્કારે કરીને આત્મા કે બ્રહ્મ દેખાય જ નહિ, એમ (છે. ૩૬ના બીજા પ્રશ્નમાં) કહ્યું છે, માટે આ ઠેકાણે ઉપાસક ભક્તને જ સત્સંસ્કારી કહ્યો છે. તે (અ. ૧ના બીજા પ્રશ્નમાં) એકાંતિક ભક્તને જ અમારું ધ્યાન સિદ્ધ થાય છે પણ બીજાથી તો એ માર્ગે ચલાતું જ નથી એમ કહ્યું છે. માટે એકાંતિક ભક્તને જ સત્સંસ્કારી કહ્યો છે. અને અમે આત્માને દેખીએ છીએ એમ કહ્યું છે તે પણ ભક્તભાવે જ બોલ્યા છે.

       પ્ર. ચોથી બાબતમાં પરોક્ષ શ્રીકૃષ્ણ-રામચંદ્રાદિકનાં ચરિત્ર સાંભળવાં ને કહેવાં એમ કહ્યું ને આઠ ગ્રંથનું પ્રતિપાદન કર્યું તથા (મ. ૩૯ના બીજા પ્રશ્નમાં) ભાગવતના બે સ્કંધનું પ્રતિપાદન કર્યું છે અને (મ. ૫૮માં) અમારા ઉપાસકને અમારાં ચરિત્રનાં શાસ્ત્રથી જ પુષ્ટિ થાય, પણ બીજા ગ્રંથથી પુષ્ટિ ન થાય એવી રીતે પરોક્ષ શાસ્ત્રનો નિષેધ કર્યો છે તે કેવી રીતે સમજવું ?

૨      ઉ. એ પરોક્ષ ગ્રંથોમાં પરોક્ષ અવતારોનાં ઘણાક પ્રકારનાં ચરિત્ર છે તે સાંભળેલાં હોય તો શ્રીજીમહારાજના મનુષ્યચરિત્રમાં સંશય થાય નહિ માટે શ્રીજીમહારાજના મનુષ્યચરિત્રમાં સાખ્ય લેવા સારુ પ્રતિપાદન કર્યું છે. તે (પ્ર. ૭૮ના સત્તરમા પ્રશ્નમાં) શ્રીજીમહારાજે ભગવદાનંદ સ્વામીને કહ્યું છે જે પરોક્ષ અવતારોના જેવાં મનુષ્યચરિત્ર અમે કરીએ ત્યાં સુધી સંશય કરશો નહીં. (૧) અને (મ. ૩૯ના ૨/૩ બીજા પ્રશ્નમાં) દશમ સ્કંધ ને પંચમ સ્કંધમાં શ્રીકૃષ્ણ ભગવાનને સર્વે અવતારોથી પર કહ્યા છે તેણે કરીને મચ્છ-કચ્છાદિક અવતારોથી શ્રીકૃષ્ણ પર સમજાય છે. અને (પં. ૬/૧માં) જેમ શ્રીકૃષ્ણ ભગવાને પોતાથી ઓરા જે સર્વ અવતારો તેનો ભાવ પોતાને વિષે જણાવ્યો છે તેણે કરીને તે શ્રીકૃષ્ણને સર્વોપરી સમજાય છે તેમ શ્રીજીમહારાજે પરથારાની (૯મી બાબતમાં) શ્રીકૃષ્ણાદિક સર્વે અવતારોનો ભાવ પોતાને વિષે જણાવ્યો છે માટે શ્રીજીમહારાજ શ્રીકૃષ્ણાદિક સર્વે અવતારોથી પર પુરુષોત્તમ ભગવાન છે એમ સમજવાપૂર્વક એ બે ગ્રંથ સાંભળવાનું કહ્યું છે અને (મ. ૫૮માં) તો પોતાનો સિદ્ધાંત કહ્યો છે જે અમો સર્વોપરી સર્વેનાં કારણ અવતારી છીએ માટે અમારા ગ્રંથને જ માનવા કેમ જે અમારા સંપ્રદાયની પુષ્ટિ અમારા ગ્રંથે કરીને થાય છે પણ બીજા કોઈ ગ્રંથે કરીને થાતી નથી એમ કહ્યું છે.

       પ્ર. શ્રીજીમહારાજની ઉપાસના, ચરિત્ર તથા નામ-સ્મરણ એ ત્રણ વિના કેવળ ધર્મે કરીને કલ્યાણ થાવું તે તુંબડા બાંધીને સમુદ્ર તરવા જેવું કહ્યું અને એ ત્રણ હોય પણ જો ધર્મ ન હોય તો માથે પાણો લઈને સમુદ્ર તરવા જેવું કહ્યું તે સમુદ્રને ઠેકાણે શું જાણવું ? અને તુંબડાં બાંધીને સમુદ્રમાં પડ્યો તે અને માથે પાણો લઈને પડ્યો તે બેમાં અધિક-ન્યૂન કોણ હશે ?

       ઉ. સમુદ્રને ઠેકાણે માયા જાણવી. અને જેને ધર્મ ન હોય ને ઉપાસના આદિક ત્રણ હોય તેને શ્રીજીમહારાજ આ લોકને વિષે રાખે ને તેને સત્પુરુષ મળે ને તે સત્પુરુષને ઉપદેશે કરીને ધર્મ પાળીને કલ્યાણને માર્ગે ચાલે ને એક-બે જન્મે પણ તેનું કલ્યાણ થાય માટે તે અધિક છે અને ધર્મ પાળતો હોય પણ તેને ઉપાસનાદિક ત્રણ વાનાં ન હોય માટે તેને ધર્મ પાળ્યાનું ફળ મળે તેથી તે લાંબી આયુષ્યવાળા લોકાંતરમાં જાય તે સત્પુરુષના યોગમાં ન આવે ને તેનું કલ્યાણ ન થાય માટે તે ન્યૂન છે અને ધર્મ ન પાળે તેને ચંડાળ કહ્યો તે તો એને માયારૂપી સમુદ્ર તરવાનું શ્રીજીમહારાજની ઉપાસનારૂપી વહાણ મળ્યું છતાં તેણે ધર્મ લોપ્યો ને પોતાનું કલ્યાણ કરી શક્યો નહિ તેથી તેને ધિક્કાર આપ્યો છે જે આવો અવસર મળ્યા છતાં પોતાનું કલ્યાણ કરી શક્યા નહિ માટે તેને ચંડાળ કહ્યો છે પણ જેમ બ્રહ્માદિક ધર્મ થકી પડ્યા પણ કલ્યાણના માર્ગમાંથી પડ્યા નહિ તેમ તે ઉપાસનાવાળો પણ કલ્યાણના માર્ગમાંથી પડે નહીં.

       પ્ર. પાંચમી બાબતમાં કબીર ને અખાનાં કાવ્ય-કીર્તન સાંભળવાનો નિષેધ કર્યો તેનું શું કારણ હશે ?

       ઉ. જગત કારણ એવું જે બ્રહ્મ તેને નિરાકારવાદીઓ નિર્ગુણ ને આકૃતિમાત્રનું કારણ કહે છે અને માયિક આકૃતિને જેમ માયિક ગણે છે, તેમ જ પરબ્રહ્મ પરમાત્માની આકૃતિને માયિક ગણીને સગુણ અવતારોની પેઠે જ તેમને પણ માયિક કહે છે પણ નિર્ગુણ બ્રહ્મથી પર ને તે બ્રહ્મના કારણ જે પરબ્રહ્મ તેને દિવ્ય સાકાર જાણી શકતા નથી અને સગુણ અવતારની પેઠે જ નિર્ગુણ બ્રહ્મથી પર જે પરબ્રહ્મ તે પૃથ્વી ઉપર જીવનાં આત્યંતિક કલ્યાણ કરવા મનુષ્યાકૃતિ દેખાય છે તેમને દિવ્ય સાકાર ને પરબ્રહ્મ જાણીને, અને નિર્ગુણ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરનારા એવા શુદ્ધ ચૈતન્ય બ્રહ્મરૂપ ભક્તને તથા પરબ્રહ્મને જેવા છે તેવા દિવ્ય જાણી શકતા નથી. અને પોતે જેમ સાધનકાળમાં સગુણની ઉપાસનાએ કરીને નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ માની છે, તેમ જ પરબ્રહ્મની સાથે એકતા કરીને પરબ્રહ્મને ભજનારા જે ભક્ત તેમને પણ પોતાની પેઠે જ સગુણની ઉપાસના કરનારા માને છે. માટે એ મતમાં મોક્ષ નથી કેમ જે, નિર્ગુણ બ્રહ્મથી પર જે પરબ્રહ્મ પરમાત્મા તે સાક્ષાત્‌ મળ્યા વિના આત્યંતિક મોક્ષ થાય નહિ તેથી એ મતના શાસ્ત્રનો નિષેધ કર્યો છે. ।।૩૫।।